Nov 30, 2009

મા ઉમાના મહોત્સવમાં ઇસ્માઈલી સમાજનું બેન્ડ

Rajendra Patel, Unjha
festival_umiya_mataજગતજનની મા ઉમિયાના ધર્મોત્સવમાં પાટીદારોની સાથે સાથે દરેક જ્ઞાતિ અને ધર્મના લોકો પણ એકસંપ થઈ તન-મન-ધનથી આ મહોત્સવને સફળ બનાવવા સંકલ્પબદ્ધ થઇ રહ્યા છે ત્યારે વિવિધ રીતે ફાળો આપી રહ્યા છે.


મહોત્સવના પ્રથમ દિવસે સિદ્ધપુરના ખ્યાતિપ્રાપ્ત આગાખાન ઈસ્માઈલી સમાજના ખાસ મ્યૂઝિક બેન્ડની સુરાવલી પણ મા ઉમાના ધર્મોત્સવમાં ભક્તિસંગીત રેલાવી ભાઈચારાનો સંદેશ પ્રસરાવશે.


સિદ્ધપુર તથા આસપાસના ગામોમાં વસતા આગાખાન ઈસ્માઈલી સમાજના અગ્રણીઓએ પોતાનાં ખાસ મ્યૂઝિક બેન્ડ મા ઉમાના અવસરમાં વગાડીને સેવા આપવાની તૈયારી દર્શાવતાં ઉમિયા માતાજી સંસ્થાને તેમની સેવા સ્વીકાર કર્યો હતો.


પ્રોજેકટ ચેરમેન મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સિદ્ધપુર તથા આસપાસના ગામોના આગાખાન સમાજના ત્રણ ખાસ મ્યુઝીક બેન્ડના ૧૨૦ જેટલા સભ્યો શનિવારે સવારે મહોત્સવના પ્રારંભે ૭ વાગ્યે, વિવિધ પેવેલીયનોના ઉદ્ઘાટન પ્રસંગે ૯-૪૫ વાગ્યે, સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રીના આગમન સમયે તથા સાંજે ૭-૦૦ વાગ્યે દિપપ્રાગટય સમયે આ ખાસ બેન્ડની સુરાવલી વહાવશે.


આગાખાન સમાજના અગ્રણીઓએ જણાવ્યા મુજબ ૪૬ જેટલા દેશોમાં ફેલાયેલા આગાખાન ઈસ્માઈલી સમાજમાં પોતાના ખાસ ધાર્મિક પ્રસંગોએ દરેક દેશમાંથી સમાજના લોકો આવે છે. સમાજના ધાર્મિક પ્રસંગોએ અને ધર્મગુરૂની ઉપસ્થિતિમાં પોતાનું આ ખાસ મ્યુઝીક બેન્ડ વગાડવામાં આવતું હોય છે.


સિદ્ધપુર તથા આસપાસના ૨૪ ગામોના આગાખાન સમાજના વિધાર્થીઓ, વેપારીઓ તેમજ નોકરીયાતો ઉપરાંત આ ત્રણ બેન્ડમાં ૧૬ જેટલી છોકરીઓ પણ વિવિધ ઈન્ટ્રુમેન્ટ વગાડે છે. કુલ ૧૨૦ સભ્યોના આ ત્રણેય બેન્ડના સભ્યો અલગ-અલગ ડ્રેસકોડમાં સજજ હશે.


આ બેન્ડ સ્વદેશી તેમજ વિદેશી આધુનિક ઈન્સ્ટ્રુમેન્ટથી સજજ છે. તેમણે ઉમેર્યું હતું કે, અમારાં બેન્ડ પ્રોફેશનલ નથી પરંતુ મા ઉમિયાના આ ધાર્મિક પ્રસંગમાં અમે પણ ભાઈચારાની દ્રષ્ટિએ સેવા આપવા માટે તત્પર બન્યા છીએ.


જ્યારે સંસ્થાનના સહમંત્રી અંબાલાલ ચારીએ જણાવ્યું હતું કે, આગાખાન સમાજનું મુંબઈનું બેન્ડ પ્રસિદ્ધ છે ત્યારે સિદ્ધપુરના આગાખાન સમાજે નિ:શુલ્ક સેવા આપવાની તૈયારી બતાવી તેને અમે આવકારી છે અને તેમનો આભાર માનીએ છીએ.

 http://www.divyabhaskar.co.in/2009/11/27/091127041408_muslims_are_also_taking_part_in_umiya_mata.html

.........................
Ismailiworld - Be Unite

ismailiworld@gmail.com
.........................

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...